Tuesday, January 26, 2010

My Favourite Teacher

આ બ્લોગ બનાવ્યો ત્યારે એનો મૂળભૂત ઉદ્દેશ એમાં મેં પોતે લખેલી અને મને ગમતી બીજી થોડી કવિતાઓ ને મારા મિત્રો સાથે વહેંચવાનો હતો. થોડી ઘણી કવિતાઓ એમાં પ્રસ્તુત પણ કરી. પરંતુ આળસ અને ઉત્સાહ ના અભાવે વધારે કઈ અપડેટ ના કરી શક્યો. ફરી આજે એક મિત્ર મને થોડા ગુજરાતી બ્લોગ્સ બતાવી ને ઉત્સાહિત કરી રહ્યો છે. અને મને કૈંક લખવા નું મન થઇ રહ્યું છે.

ઉર્વીશ કોઠારી ના બ્લોગ (http://urvishkothari-gujarati.blogspot.com/2010/01/blog-post_22.html) માં એક લેખ વાંચી ને મને મારા સ્કુલ ના સમય નો એક પ્રસંગ યાદ આવી ગયો.
ઉર્વીશભાઈ નો લેખ કૈંક આવું કહે છે. "વિદ્યાર્થી અવસ્થામાં મૌલિક નિબંધ લખવાથી ભવિષ્યમાં જે થવાય તે, પણ વર્તમાનકાળમાં શિક્ષકની આંખે ચડી જવાય છે. "

હું ૯ માં ધોરણ માં ભણતો હતો ત્યારે અંગ્રેજી ની પરીક્ષા માં એક નિબંધ પુછાયેલો, વિષય હતો my favourite teacher. મારા એ વખત ના અને કદાચ આજ સુધી ના સૌથી પ્રિય શિક્ષક મારા અંગ્રેજી ના શિક્ષક નયનભાઈ ગઢવી હતા. મેં બસ એમના વ્યક્તિત્વ ને સીધી અને સરળ ભાષા માં શાબ્દિક રૂપ આપી દીધું. નયનભાઈ ના રમુજી સ્વભાવ ને કારણે મેં એમની સરખામણી મુલ્લા નસીરુદ્દીન સાથે કરી. આખો નિબંધ શું હતો એ તો મને યાદ નથી પણ નયનભાઈ એ વાંચી ને ખુબ ખુશ થયેલા. એમને પેપર ચકાસતી વખતે આખા સ્ટાફ રૂમ માં એ નિબંધ વાંચી સંભળાવેલો અને પછી થી અમારા ક્લાસ માં પણ વાંચેલો. નિબંધ મૌલિક હતો એ તો એમને ગમ્યું જ હતું પણ એની સાથે એમાં કોઈ વ્યાકરણ ની ભૂલ પણ નહોતી. નયનભાઈએ કહેલા એ શબ્દો અંગ્રેજી ભાષા પ્રત્યેના મારા લગાવ અને વધારે શીખવાની તત્પરતાનું કારણ બની ગયા.